વીણેલી વાતો





એક વક્તાની વાત


                     શાળાના એક વિદ્યાર્થીને એના સહપાઠીઓ સમક્ષ બોલવાનું થયું. દરેક પ્રસંગે એનો પ્રયત્ન નિષ્ફળ નીવડ્યો. દર વખતે તે ફારસમાં જ પરિણમતો.
એ વિદ્યાર્થીના પોતાના જ શબ્દો-
                     "શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં મારી જીભ સિવાઈ જાય. કેટલાયે ફકરાઓ, કવિતાઓ કંઠસ્થ કરતો, દહાડાઓ સુધી એકાંતમાં પઠન કરતો. મારા બંધ ઓરડામાં દિવસો સુધી આ પૂર્વભજવણીનો કાર્યક્રમ ચાલતો. પછી સૌ સમક્ષ બોલવાનો દિવસ આવતો, મારું નામ બોલાતું, બધા સહાધ્યાયીઓ હું જ્યાં બેઠો હોઉં ત્યાં પાછા ફરીને મને તાકી રહેતા. તે ક્ષણે હું મારી બેઠક ઉપર એવો જડાઈ જતો કે જાણે પથ્થરનું પૂતળું. પગ એવા થથરે કે ઊભા થવું અશક્ય. આ અગ્નિપરીક્ષામાં પૂરો નિષ્ફળ રહ્યા બાદ હું ઘરભેગો થતો. શરમિંદો બની એકલો પોશ પોશ આંસુ પાડતો.પછી એક દિવસ એ યુવાને દઢ નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે તે પોતાને કોરી ખાતી એ બીકણ વૃત્તિ ઉપર વિજય મેળવીને જ જંપશે. પછી ભલે તેમ કરતાં મૃત્યુ સામું આવી ઊભું રહે !
છેવટે એનો આ ભગીરથ પ્રયત્ન સફળ થયો. પૂરો સો ટકા ! અમેરિકાના એક પ્રખર વક્તા તરીકે ડેનીયલ વેબસ્ટર એના વકૃત્વ માટે વિશ્વવિખ્યાત છે.


 

સોનું ખોદવા માંડો



                        ઍન્ડ્રુ કાર્નેગી અમેરિકા આવી નાનાંમોટાં કામ કરવા લાગ્યો. આગળ જતાં તે અમેરિકાનો લોઢાનો ઉત્પાદક બન્યો અને એ હુન્નરમાં ખૂબ નામ કમાયો. લાખો લોકો એના હાથ નીચે કામ કરવા લાગ્યા. કોઈએ એમને પૂછ્યું લોકોને તમે કેમ અંકુશમાં રાખી શકો છો ?’
                                   ઍન્ડ્રુ કહે, ‘લોકો સાથે કામ લેવું એટલે માટી ખોદી સોનું મેળવવા બરાબર છે. એક ઔંસ જેટલું સોનું મેળવવા તમારે ગંદવાડ ભરેલી માટી ઉલેચવી પડે. સોનું પ્રાપ્ત કરવું હોય તો પહેલાં આ કામ કરવું જ પડે. મનુષ્યપ્રકૃતિમાં છુપાયેલ સારી શક્તિઓને પામવા એની ઊણપો અને મર્યાદાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એનામાં જે કાંઈ ઉત્તમ છે તે જુઓ અને વખાણો. હંસ પાણીમાંથી દૂધ તારવી લે છે તેવી રીતે આપણે પણ મનુષ્યના કેવળ દોષો જ જોવાને બદલે તેના સદગુણો તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. સારાં સંબંધો આ રીતે જ સ્થાપી શકાય.




ગુલાબની કળી

 

                   શ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક વાર મહાત્મા ગાંધીને તેમના વિદ્યાધામ શાંતિનિકેતન આમંત્ર્યા. વહેલી સવારે સૂર્યનારાયણ હજી પૂર્વમાં ડોકિયું કરતા હતા તે ટાણે બન્ને મહાનુભાવો શાંતિનિકેતનના બગીચામાં ટહેલવા નીકળ્યા. જુએ છે તો સૂર્યનાં કિરણો ગુલાબની નાજુક કળીઓ પર બાઝેલાં ઝાકળ બિન્દુઓ પર ઝળકી રહ્યાં હતાં. બન્ને જણ તે અદ્દભુત દશ્ય જોતા ઊભા. ત્યાં ટાગોર કહે, ‘ગુલાબની આ ખીલતી કળીઓ મને એક ગીત લખવા આમંત્રે છે.ગાંધીજી કહે : મને તો કવિતા લખતાં આવડતી જ નથી. પણ હાં હું જરૂર ઈચ્છું કે મારા દેશનું હરેક શીશુ આ ગુલાબની કળીઓ જેવું તાજગીભર્યું શક્તિશાળી અને આ કળીઓ જેવું સ્વપ્નશીલ બને.એક ગુલાબની નાજુક નાનકડી કળીએ બે ઉમદા વ્યક્તિઓના મનમાં કેવા ઉમદા વિચારો પ્રેર્યા !




વારસો
                     એક વૃદ્ધ મરણપથારી ઉપર હતા. તેમણે પોતના પુત્રને પોતાની પાસે તેડ્યો. પછી વૃદ્ધ કહે : બેટા, હું ગરીબ રહ્યો. તારે માટે પાછળ મૂકી જવા સારુ મારી પાસે કાંઈ મૂડી નથી. પણ મારા બાપે મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉં છું. જિંદગીભર તું તેને સાચવજે. જ્યારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલાં તું તેનો જવાબ વાળતો નહીં. ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી મૂડી હું તને વારસામાં આપતો જાઉં છું.
                                   પિતાએ આપેલી મૂડી દીકરાએ જીવ્યો ત્યાં સુધી સાચવી. આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવાં પડ્યાં. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઊભા થયા; પણ પિતાનાં વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યક્તિને તે શાંતિથી કહેતો કે, ‘આનો જવાબ હું તમને ચોવીસ કલાક બાદ આપીશ.ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલો રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યક્તિ આગળ કદી જતો નહીં. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદશ્ય થયો. તેનું હ્રદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતાં ગુર્જેફ નામે મોટા જ્ઞાની પુરુષ તરીકે ઘણી ખ્યાતિ પામ્યો.



સૌથી દુઃખી કોણ ?



                        રાજાના દરબારમાં સૌ ભેગા થયેલા. ચર્ચાનો વિષય હતો સૌથી દુઃખી કોને કહેવો ?
ભેગા થયેલામાંના કોઈએ કાંઈ કહ્યું અને કોઈએ કાંઈ. બધા એક વાતે સંમત હતા જ- જે ગરીબ છે અને રોગી છે એ સૌથી દુઃખી કહેવાય. રાજાને આ જવાબથી સંતોષ ન થયો. દરબારમાં ચતુરનાથ નામે એક સરદાર ચૂપચાપ બેઠો હતો. રાજાએ તેને પૂછ્યું :ચતુરનાથ, તમે શું માનો છો ? – દુનિયામાં સૌથી દુઃખી કોણ ?’ ચતુરનાથ કહે-રાજાજી, મારા મત મુજબ સૌથી દુઃખી ઈર્ષ્યાળુ માનવ છે. બીજાને જીવનમાં પ્રગતિ કરતો જોઈ જે દુઃખી થાય છે, જેના મનની શાંતિ સામાનું સુખ જોઈ નાશ પામે છે એને સૌથી દુઃખી સમજવો. તે સ્વભાવે વહેમી હોય છે, સદા શંકાશીલ રહે છે. બીજાનું સૌભાગ્ય જોઈ તે એને ધિક્કારે છે તેવી વ્યક્તિ સૌથી દુઃખી ગણાય.રાજાએ ચતુરનાથની વાત માન્ય રાખી.





ખોપરી
 
                એક મુસાફર જંગલમાં થઈને જઈ રહ્યો હતો. તેને કકડીને ભૂખ લાગી હતી. ક્યાંય કશું ખાવા મળે એમ નહોતું. ભૂખ અને થાકથી ત્રસ્ત મુસાફર લથડિયાં ખાતો આગળ વધી રહ્યો હતો. કાશ એકાદું રોટીનું બટકું એના ભખભખ થતા જઠરાગ્નિને ઠારવા મળી જાય…. ત્યાં તો ભગવાને એની પ્રાર્થના સાંભળી હોય તેમ દૂર એક ગુફા નજીક એક મહાત્મા બેઠેલા દેખાયા. તેઓ ગુફાની બહાર બેઠા ભોજન આરોગી રહ્યા હતા. મુસાફર નજીક આવી લાગતાં મહાત્મા બોલ્યા : ભાઈ, તું થાક્યોપાક્યો અને બહુ ભૂખ્યો લાગે છે. અહીં ઘડીક આરામ કર. મારી પાસે જે કાંઈ છે તે ખાઈને તારી ભૂખ મટાડ.આમ કહી મહાત્માએ જે ખાવાનું હતું તે મુસાફર સામે ધર્યું. મુસાફરે જોયું તો ભોજન એક ખોપરીમાં રાખેલું હતું. તે જોતાંને વાર મુસાફરે મોં બગાડ્યું. બોલ્યો, ‘ક્ષમા કરજો મહાત્મા, ભૂખ્યો હોવા છતાં આ ભોજન હું આરોગી નહીં શકું. મને બહુ સૂગ લાગે છે.આટલું બોલી તેણે ખોપરી તરફ આંગળી ચીંધી.
તેની વાત સાંભળી મહાત્મા બોલ્યા, ‘તારે સુગાવાની કાંઈ જ જરૂર નથી. હું આ ખોપરીને રોજ સવાર-સાંજ ધોઈ માંજીને ચકાચક રાખું છું. તે બિલકુલ સ્વચ્છ છે.છતાં મુસાફરે એકની એક વાત દોહરાવતાં કહ્યું : મને બહુ સૂગ લાગે છે.                                  ત્યારે સંત બોલ્યા : ભાઈ, જે ખોપરી તારા માથા પર છે તેમાં સૂગ આવે એવું કેટલુંય પડ્યું છે. કામ, ક્રોધ, મોહ, માયા, નિંદા, ઈર્ષ્યા, વેરઝેરરૂપી કીડાઓ તેમાં ખદબદે છે. એ ખોપરી દિનરાત માથે રાખતાં તને સૂગ નથી લાગતી ?’ મુસાફર શું બોલે ?





ખરું અને ખોટું

                         જાપાનના એક ગુરુ આગળ ઘણા જણ શીખવા આવતા. એક દિવસ એક વિદ્યાર્થી ચોરી કરતાં પકડાયો. અન્ય વિદ્યાર્થીઓએ ગુરુજી આગળ ફરિયાદ કરી, ‘આ છોકરાએ ચોરી કરી છે. એને અહીંથી કાઢો.ગુરુજીએ અન્ય વિદ્યાર્થીઓની વાત પર ઝાઝું ધ્યાન આપ્યું નહીં. બીજી વેળાએ પણ પેલા છોકરાએ ચોરી કરી. આ વેળાએ પણ ગુરુજીએ જોયું ન જોયું કર્યું. આથી બધા વિદ્યાથીઓ છંછેડાયા. એ બધાએ ગુરુજીને ચેતવણી આપી :
                                 ‘ક્યાં તો આ છોકરાને કાઢો, ક્યાં તો અમે બધા અહીં આવવું છોડી દઈએ !
ગુરુજીએ બધા વિદ્યાર્થીઓને ભેગા કર્યા. પછી બોલ્યા, ‘જુઓ ભાઈઓ, તમે બધા સમજુ છો. શું ખરું, શું ખોટું તે બરાબર જાણો છો. તમારે બીજે ભણવા જવું હોય તો ભલે જાઓ. આ બિચારો છોકરો શું ખોટું અને શું ખરું તે જાણતો નથી. હું જો તેને આ ન શિખવાડું તો તેનું શું થાય ? માટે તમે બધા જતા રહો તોપણ હું તેને રાખીશ !
                    ગુરુજીની વાણી સાંભળી જેણે ચોરી કરી હતી તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. ત્યાર બાદ તેણે ચોરી કરવી છોડી દીધી.





ચોથી પેઢીની ચિંતા

એક નગરશેઠ મરી ગયા એટલે તેમના પુત્રે શેઠના મુનીમને પૂછ્યું, ‘મારા પિતાજી એમની પાછળ કેટલું ધન મૂકી ગયા છે ?’ મુનીમ કહે, ‘ત્રણ પેઢીઓ ચાલે એટલું. મુનીમની વાત સાંભળી શેઠના પુત્રને ચોથી પેઢીની ચિંતા થઈ. શરીર સુકાવા લાગ્યું. દવાદારૂ નકામાં ઠર્યાં. ત્યાં એક દિવસ શેઠના દીકરાને ઘેર એક સંત આવી પહોંચ્યા. સંતે દીકરાની વાત સાંભળી કહ્યું, ‘ભાઈ, તું રોજ સવારે એક શેર અનાજ ગરીબોને આપવાનું વ્રત લે. તારી તબિયત સુધારવાનો આ એક માત્ર ઈલાજ છે.શેઠના દીકરાએ રોજ એક શેર અનાજ કોઈ ગરીબગુરબાંને આપવા માંડ્યું.
એક દિવસ કોઈ અનાજ લેવા ન આવ્યું. શેઠનો પુત્ર વ્રત તૂટવાના ભયે ગભરાયો. ત્યાં તેની નજર રસ્તે જતા એક ગરીબ જન પર પડી. શેઠનો દીકરો તેને અનાજ આપવા દોડ્યો. ત્યાં તો પેલો ગરીબ માણસ બોલ્યો, ‘મોટાભાઈ, જરા થોભો. પહેલાં હું ઘેર જઈને જોઈ આવું કે આજે મને અનાજની જરૂર છે કે નહીં.થોડી વાર રહીને પાછા ફરતાં તે બોલ્યો, ‘આજ પૂરતું અનાજ તો મારે ત્યાં છે. હવે તમારા અનાજનો મને ખપ નથી. શેઠનો દીકરો બોલ્યો, ‘અરે ભલા આદમી, આજ નહીં તો કાલે તને કામ આવશે….’ શેઠના દીકરાને આગળ બોલતો અટકાવી તે ગરીબ માણસ હસીને કહે, ‘ભાઈ, કાલની ચિંતા હું આજે કરતો નથી.ગરીબની વાત સાંભળી શેઠનો પુત્ર વિચારી રહ્યો, ‘આ માણસ કાલની ચિંતા નથી કરતો અને હું મૂર્ખ ચોથી પેઢીની ચિંતા કરી નાહકનો દૂબળો પડતો જાઉં છું !પછી તેણે ચિંતા કરવી છોડી દીધી.





જિંદગી બચાવવા જેવી ખરી ?


એક છોકરો નદીમાં નહાવા ગયો. થોડી વારમાં તે ડૂબવા લાગ્યો. બચાવો, બચાવોની બૂમો પાડવા લાગ્યો. કિનારા પર એક માણસ ચાલતો હતો. તે પાણીમાં પડ્યો. પેલા છોકરાને ડૂબી જતો તેણે બચાવી લીધો. પછી તે જવા લાગ્યો ત્યાં પેલો છોકરો બોલી ઊઠ્યો :
સજ્જન, તમારો બહુબહુ આભાર. તમે મારા તારણહાર.
પેલો માણસ કહે, ‘તું શા માટે મારો આભાર માને છે ?’ છોકરો કહે : તમે તો મને આજે ડૂબી જતો બચાવ્યો ! તમારો તો આભાર માનું એટલો ઓછો.પેલા સજ્જને છોકરાની આંખોમાં આંખો પરોવી કહ્યું, ‘બેટા, તું મોટો થાય ત્યારે યાદ રાખજે કે તારી જિંદગી બચાવવા લાયક હતી.






વડો નિશાળિયો ન્યૂટન
 
                મહાન વૈજ્ઞાનિક ન્યૂટનનો બાલ્યકાળ એમનાં દાદીમાને ઘેર વીતેલો. દાદીમાને મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહાલું લાગે. તેઓ ન્યૂટનની ખૂબ આળપંપાળ કરતાં. લાડ લડાવતાં. ન્યૂટન મોટો થતાં ગ્રામર સ્કૂલમાં ગયો. ન્યૂટનના શરીરનો બાંધો અન્ય વિદ્યાર્થીઓ કરતાં નાજુક. શાળામાં એક નટખટ દાદો હતો. બધા વિદ્યાર્થીઓ તેનાથી ડરીને ચાલતા. નબળો-પોચો વિદ્યાર્થી સહેલાઈથી તેનો શિકાર બનતો. દાદો તેને ખૂબ પજવતો અને મારતો પણ ખરો. આમ કરવામાં તેને ખાસ આનંદ મળતો. એક દિવસ દાદાની નજર ન્યૂટન ઉપર પડી. નવો વિદ્યાર્થી. નાજુક, નમણો અને શરમાળ. ઉપરાંત ઓછાબોલો અને એકાંતપ્રિય. દાદીમાના ઘરનું શાંત વાતાવરણ છોડીને શાળામાં આવેલો. એને શાળાનો કોઈ અનુભવ નહીં. આ બધું દાદો સમજી ગયો.
               એક દિવસ ન્યૂટન શાળાના મેદાનમાં રમતો હતો. ત્યાં અચાનક દાદાએ પોતાના પંજામાં ન્યૂટનની ગરદન ઝાલી. પછી તેને જોરથી હલાવવા લાગ્યો. આ બધું એક પળમાં બની ગયું. પરંતુ ન્યૂટનના જીવનમાં એ પળે મોટો પલટો આણ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે ન્યૂટને દાદાને જોરથી ગુલાંટ ખવડાવી ભોંય ભેગો કર્યો અને પોતે પોતાના સ્થાન પર પૂરી સ્વસ્થતાથી અડીખમ ઊભો રહ્યો. તે પળે ન્યૂટનને અત્યાર સુધી અપ્રગટ રહેલી પોતાની તાકાતનું ભાન થયું. તેનામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. તેનો અભ્યાસ સુધર્યો. તે સ્વરક્ષણ કરતાં શીખ્યો અને બીજા સત્રમાં તો તે શાળાના વડા નિશાળિયા તરીકે પંકાયો.





                નવતર પરીક્ષા

              ગાંધીજીની ફિનિક્સ સ્કૂલમાં મોટે ભાગે દર શનિવારે પરીક્ષા લેવાય. પરીક્ષક ગાંધીજી પોતે હોય. કોઈ વાર ગણિત, કોઈ વાર ગીતાપાઠ, કોઈ વાર ભાષા. એમ વારાફરતી દરેક વિષયની પરીક્ષા લેવાય. ગાંધીજી જાતે ઉત્તરવાહિની તપાસે અને ગુણ મૂકે. સાંજે પ્રાર્થના સમયે સૌ ભેગા થાય ત્યારે ગાંધીજી પરિણામ જાહેર કરે. ભૂલચૂક સુધારે. સારું કરનારને પ્રોત્સાહન આપે. સારું ન કરે તો ટપારે પણ ખરા. ગાંધીજીની ગુણાંક આપવાની પદ્ધતિ અનોખી. ઘણા વિદ્યાર્થીઓને પોતાને અન્યાય થયો છે એવું લાગે. મેં બીજા બધા કરતાં સારું લખ્યું છતાં બાપુએ મને ઓછા ગુણ આપ્યા એમ કોઈ તેજસ્વી વિદ્યાર્થીને મનમાં થતું. સુંદર અક્ષરની હરીફાઈમાં પણ કેટલાકને અન્યાય થયેલો લાગતો.
                       આખરે એક વિદ્યાર્થીએ ગાંધીજીને સીધું પૂછી લીધું.
બાપુજી, મેં આના કરતાં ઘણું વધારે સારું લખ્યું છે છતાં તમે મને એના કરતાં ઓછા ગુણ આપ્યા એ તે કેવું ?’
ત્યારે ગાંધીજી બોલ્યા, ‘આમાં તમને કોઈને અન્યાય થયો નથી. કેવળ મારી ગુણાંક પદ્ધતિમાં ફેર છે. ફલાણો વિદ્યાર્થી ફલાણા કરતાં કેટલો વધુ બુદ્ધિશાળી છે એવા વિચારે હું ગુણ મૂકતો નથી. દરેક વિદ્યાર્થી ગઈ વખતની પરીક્ષા કરતાં ત્યાર બાદની પરીક્ષામાં કેટલો ઊંચો આવ્યો કે નીચે ગયો તે જોઈને હું તો ગુણ મૂકવાનો. અનિયમિત કામ અને ઓછી મહેનત કરનાર બુદ્ધિશાળી હોય છતાં પણ પાછો પડવાનો. જે ચીવટ રાખી મહેનત કરે એ જ આગળ આવવાનો. આવાને હું વધુ ગુણને લાયક ગણું.ગાંધીજીની આ નવતર પરીક્ષા પાછળનો હેતુ જાણ્યા બાદ સૌને ખાતરી થઈ કે ગાંધીજી અન્યાય નહીં કરે, પક્ષપાત નહીં બતાવે. હવે બધા વિદ્યાર્થીઓ આડાઅવળા વિચારો છોડીને મહેનત કરવા પ્રેરાયા.


 



વીણેલી વાતોપુસ્તકમાંથી સાભાર 



No comments:

Post a Comment

free click here