ડૉ. આઈ.કે.વીજળીવાળા




પ્રેરણા
બે સગા ભાઈઓ હતા.
એમનો એક કેફી દ્રવ્યોનો બંધાણી, દારૂડિયો અને આડા રસ્તે ચડી ગયેલો હતો. એ વારંવાર ઘરમાં ઝઘડા કરતો. પોતાની પત્ની અને બાળકોને પણ અવારનવાર મારતો. જ્યારે બીજો ભાઈ એક સફળ બિઝનેસમૅન હતો. ખૂબ જ આનંદી, પ્રેમાળ અને કુટુંબપરાયણ હતો. સમાજમાં એનું ખૂબ માન હતું. ગામના થોડાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થતી.

ઘણાને આની નવાઈ લાગતી. બધાને થતું કે એક જ માતાપિતાના સંતાન અને એક જ વાતાવરણમાં ઊછરેલા હોવા છતાં આ બંને ભાઈઓમાં આટલો બધો ફર્ક હોવાનું કારણ શું હોઈ શકે ? એટલે એમાંના એક જણે આ રહસ્યનો તાગ મેળવવાનું નક્કી કર્યું. સૌપ્રથમ એણે ખરાબ લતે ચડી ગયેલા ભાઈને જઈને પૂછ્યું, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’

મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા દારૂડિયાએ જવાબ આપ્યો, ‘એ પોતે નશીલી દવાઓના બંધાણી હતા. દારૂ પણ એટલો જ ઢીંચતા. રોજ રાત્રે ઘરે આવીને મારી માને મારતા. અમારામાંથી કોઈક ઝાપટે ચડી જાય તો અમનેય ઢીબી નાખતા. હવે તમે જ કહો ! આવું દષ્ટાંત ઘરમાં હોય તો આપણે પણ ધીમે ધીમે એના જેવા જ બની જઈએ ને ! મારા કિસ્સામાં પણ એમ જ બન્યું !પેલા પૂછનારને આ વાત બરાબર લાગી. ત્યાર બાદ એ બીજા ભાઈ પાસે ગયો. એ ભાઈ અત્યંત પ્રતિષ્ઠા ધરાવતો અને ઉચ્ચ જીવન જીવતો હતો. એને પણ પેલાએ એ જ સવાલ પૂછ્યો જે એણે એના દારૂડિયાભાઈને પૂછ્યો હતો કે, ‘તમે અત્યારે જે કાંઈ છો, જે કાંઈ કરો છો એ બધા માટે તમને પ્રેરણા ક્યાંથી મળેલી ? તમે આજે જે પરિસ્થિતિમાં છો એના માટે તમારા મતે જવાબદાર કોણ છે ?’
મારા પિતાજી ! બીજું કોણ વળી ?’ પેલા પ્રતિષ્ઠિત વ્યક્તિએ જવાબ આપ્યો.


હવે પેલા સવાલ કરનાર માણસને નવાઈ લાગી. એનાથી પૂછ્યા વિના રહેવાયું નહીં કે, ‘પરંતુ તમારા પિતાજી તો દારૂડિયા, નશીલી દવાના બંધાણી અને ઝઘડાળુ હતા. એ તમારી પ્રેરણામૂર્તિ કઈ રીતે હોઈ શકે ?’
અરે ! એમ જ છે. સાચું કહું છું. એ જ મારી પ્રેરણામૂર્તિ રહ્યા છે.પેલા ભાઈએ જવાબ આપ્યો, ‘જુઓ ! હું નાનો હતો ત્યારથી મારા પિતાજીને નશીલી દવા પીને કે દારૂ પીને ઘરે આવતા જોતો. એ મારી માતાને મારતા કે ઘણી વાર અમારો વારો પણ પાડી દેતા અને એવી દરેક રાત્રે એમને જોઈને હું નક્કી કરતો, અરે ! એમ કહું કે દઢ નિશ્ચય જ કરતો કે આવી જિંદગી તો મારી નહીં જ હોય અને આવો તો હું ક્યારેય નહીં બનું ! અને તમે જુઓ જ છો, એના લીધે મળેલું પરિણામ તમારી નજર સામે જ છે !
પૂછવાવાળા માણસને એની વાત પણ બિલકુલ સાચી લાગી !
દુનિયા પાસે હકારાત્મક અને નકારાત્મક એમ બધું જ છે. એમાંથી શું મેળવવું એ કેવળ આપણા પર આધાર રાખે છે !


હૂંફાળા અવસરમાંથીસાભાર


ખારી કૉફી


                  પરદેશની એક હોટલમાં કોઈએ એક સરસ મજાની પાર્ટીનું આયોજન કર્યું હતું. હાજરી આપવાવાળા બધા બરાબર બનીઠનીને આવેલા હતા. એ બધામાં સાવ સામાન્ય દેખાવવાળો અને સાદાં કપડાંવાળો એક યુવાન પણ સામેલ થયો હતો. એ બિચારો એક ખૂણામાં આવેલા ટેબલ પાસે બેઠો બેઠો બધાને જોઈ રહ્યો હતો. કદાચ મનથી થોડીક લઘુતાગ્રંથિ અનુભવી રહ્યો હોય એવું પણ લાગતું હતું.

                   એ આખી જ પાર્ટીનું મુખ્ય આકર્ષણ એક યુવતી હતી. એ સૌથી રૂપાળી અને ખૂબ જ સ્માર્ટ લાગતી હતી. પાર્ટીમાં હાજર ઘણા લોકો એની સાથે વાત કરવા તેમ જ હાથ મિલાવવા તલપાપડ હતા. એવું કહેવાય કે લોકો એની આગળપાછળ જ ફરતા હતા. એવું લાગતું હતું કે જાણે એ એક યુવતીના કારણે જ પાર્ટીમાં રોનક છવાયેલી હતી. પેલા છોકરાને પણ એની સાથે વાત કરવાનું મન થયું, પરંતુ પોતાના સામાન્ય કપડાં તેમ જ સીધાસાદા દેખાવનો વિચાર આવતા જ એ ખંચાયો. એકાદ-બે ક્ષણ એમ જ વિચાર કરતો એ બેસી રહ્યો. પછી ગમે તે હોય, અચાનક જ એ પોતાના સંકોચને ખંખેરીને પેલી યુવતી પાસે ગયો. એની સાથે હાથ મિલાવી, એની આંખોમાં આંખો પરોવીને અત્યંત આત્મવિશ્વાસથી એણે વાતો કરી. એટલું જ નહીં, બીજા દિવસે શહેરના સારામાં સારા ગણાતા કૉફીશોપમાં કૉફી પીવા આવવા માટેનું આમંત્રણ પણ આપી દીધું. એ છોકરાની આંખોમાં ઝળકતા આત્મવિશ્વાસને લીધે હોય કે એની વાતોના કારણે હોય, પરંતુ પેલી યુવતીએ એ પ્રસ્તાવનો સ્વીકાર પણ કરી લીધો.                                     બીજા દિવસે બંને જણ નક્કી કરેલ કૉફીશોપમાં ભેગાં થયાં. આગલા દિવસે ભેગી કરેલી હિંમત જાણે દગો દઈ ગઈ હોય એમ એ યુવક સાવ નર્વસ થઈ ગયો હતો. શું બોલવું, કઈ વાત ઉખેળવી, કઈ રીતે બંને વચ્ચેના મૌનને તોડવું એની કાંઈ જ ખબર ન પડવાથી એ ચૂપચાપ બેઠો હતો. પેલી યુવતીને પણ ખૂબ અકળામણ થતી હતી. એને તો મનમાં થતું હતું કે આના કરતાં તો પોતે આવી જ ન હોત તો સારું હતું. એ ઊભી થવા જ જતી હતી એ જ વખતે વેઈટર કૉફી લઈને આવ્યો. પેલા યુવકે આજુબાજુના ટેબલવાળા સાંભળે એટલા ઊંચા અવાજે વેઈટરને કહ્યું : વેઈટર ! પ્લીઝ, મને કૉફીમાં નાખવા માટે સૉલ્ટ (મીઠું) આપશો ?’ સાંભળીને પેલી યુવતી સહિત બધાને નવાઈ લાગી કે કૉફીમાં મીઠું ? બધાએ આશ્ચર્યના ભાવો સાથે એની સામે જોયું. વેઈટરે પણ મોં પર એવા જ ભાવો સાથે એને મીઠાની ડબ્બી આપી. પોતાથી જરા વધારે પડતા મોટા અવાજે બોલાઈ ગયું છે એ વાતનું ભાન થતાં એ યુવાનનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, છતાં નીચું જોઈને એણે પોતાની કૉફીમાં મીઠું નાખી એને ખારી બનાવીને ચૂસ્કી લીધી.

                                ‘આ તો મારા માટે ખરેખર નવાઈ કહેવાય. એમ કહોને કે મેં તો આવું ક્યારેય જોયું જ નથી ! તું નાનપણથી જ આવી ખારી કૉફી પીએ છે ?’ પેલી યુવતી આશ્ચર્યથી બોલી ઊઠી.
                                 ‘હા !એ યુવાને જવાબ આપ્યો, ‘હું નાનો હતો ત્યારે અમે દરિયાકિનારાના એક ગામમાં બરાબર દરિયાને અડીને જ રહેતા હતા. મારો ઘણો ખરો સમય દરિયાકાંઠે જ વીતતો. મને મારી દરેક વસ્તુઓમાંઅરે, મારી ચામડી પર સુદ્ધાં દરિયાનો સ્વાદ આવતો. મને એ ખૂબ જ ગમતું. એ સ્વાદ બરાબર આ ખારી કૉફી જેવો જ લાગતો. હવે જ્યારે જ્યારે હું સૉલ્ટી (ખારી) કૉફી પીઉં છું ત્યારે ત્યારે મને મારું બાળપણ, મારું ગામ, મારાં મા-બાપ, મારો એ દરિયો અને એનો સ્વાદ એમ બધું જ યાદ આવે છે. હું એમાં પાછો ખોવાઈ જાઉં છું. આજે પણ મારાં ઘરડાં મા-બાપ ત્યાં જ રહે છે.આટલું બોલતા એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. એ આગળ કાંઈ પણ બોલી શક્યો નહીં. પોતાના બાળપણના સ્થળ અને એની યાદો બાબતે કોઈ આટલું ભાવુક હોઈ શકે એ પેલી યુવતીને માન્યામાં જ નહોતું આવતું. આવા અત્યંત પ્રેમાળ યુવકને જોઈ પેલી યુવતીને એના માટે ખૂબ જ આદર અને લાગણી બંને થઈ આવ્યાં. એ જ ક્ષણે એને થયું કે, ‘બસ, આવો યુવાન જ એને પોતાના જીવનસાથી તરીકે જોઈએ છે !પોતાના વતન કે માતાપિતાને યાદ કરતી વખતે પણ જેનું હૃદય ભરાઈ આવતું હોય એને પોતાનું ઘર વહાલું જ હોય ! અને એ પછી તો એ પણ ખૂલી ગઈ. એણે પણ પેલા યુવાન સાથે દિલ ખોલીને વાતો કરી.

એ વાતને પછી તો દિવસો વીતી ગયા. બંને જણ મળતાં રહ્યાં અને એક દિવસ પરણી પણ ગયાં. પેલી યુવતી પોતાને ઘણી નસીબદાર માનતી હતી, કારણ કે એ યુવાન તો એની ધારણા કરતા પણ ઘણો વધારે પ્રેમાળ, લાગણીશીલ અને વફાદાર નીકળ્યો હતો. પોતાના નસીબ માટે એ કાયમ ભગવાનનો આભાર માનતી અને સાથોસાથ પોતાના પતિની કૉફીમાં મીઠું નાખવાનું ક્યારેય ભૂલતી નહીં. હા, ક્યારેક વળી એ કૉફી બનાવતી વેળા થોડીક ચાખી લેતી અને એને મનમાં થતું પણ ખરું કે એના પતિને આવો ભંગાર સ્વાદ કઈ રીતે ભાવતો હશે ? તેમ છતાં એ સૉલ્ટી (ખારી) કૉફી બનાવવાનું ક્યારેય ભૂલતી નહીં. એમ જ આનંદ અને સ્નેહથી ભર્યાં ભર્યાં 40 વર્ષ પસાર થઈ ગયાં. એ એવાં સરસ વર્ષો હતાં કે બંનેમાંથી એકેયને એકબીજા અંગે ફરિયાદનો એક મોકો પણ નહોતો મળ્યો. એ પછી જાણે કે કુદરતને એમના સુખની ઈર્ષ્યા આવી ન હોય એમ પેલાને કૅન્સર થયું. મરણ પથારી પરથી એણે પોતાની પત્નીને એક કવર આપ્યું અને પોતે મૃત્યુ પામે એ પછી જ ખોલવું એવી ખાસ તાકીદ પણ કરી. એ પછીના થોડા દિવસોમાં જ પતિ મૃત્યુ પામ્યો.

                   પેલી યુવતી, જે પોતે પણ હવે 60 વર્ષ વટી ગઈ હતી. એણે એક દિવસ બપોરે પોતાના પતિએ આપેલું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, ‘વહાલી ! તારી માફી માગવા જ આ પત્ર હું લખી રહ્યો છું. તારી સામે આખી જિંદગી મેં એક જુઠાણું ચલાવ્યું છે અને એ એક જૂઠને તારે હવે માફ કરવું જ રહ્યું !પેલીને નવાઈ લાગી. એણે આગળ વાંચવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું, ‘તને યાદ છે આપણી પહેલી મુલાકાત ? આપણા શહેરની મશહૂર કૉફીશોપમાં આપણે પ્રથમ વખત મળ્યાં હતાં એ તને યાદ જ હશે. હકીકતે એ દિવસે હું ખૂબ જ નર્વસ થઈ ગયેલો. મને બીક હતી કે મારો સામાન્ય દેખાવ તેમ જ સાવ સામાન્ય વ્યવહારને કારણે તું મને છોડીને જતી રહીશ એટલે એ ગભરાટમાં જ મેં વેઈટરને ખાંડને બદલે મીઠું લાવવાનું કહી દીધું હતું. વળી એ વખતે એ એટલું જોરથી બોલાઈ ગયેલું કે ત્યાર પછી મારું બોલેલું સુધારવાનો પણ કોઈ અવકાશ જ નહોતો એટલે પછી મેં કૉફીમાં મીઠું (સૉલ્ટ) નાખીને જ ચલાવી લીધું. આપણા લગ્નજીવન દરમિયાન ઘણી બધી વાર આ વાત તને કહી દેવાનું મેં નક્કી કરી નાખેલું, પરંતુ કદાચ તું નારાજ થઈ જઈશ તો ? એ બીકને લીધે હું અટકી જતો, પરંતુ હવે મને કોઈ જાતની બીક નથી, એટલે લખું છું કે મને ખારી કૉફી બિલકુલ ભાવતી નથી ! હે ભગવાન ! કેટલો બધો ભયંકર અને ખરાબ સ્વાદ હોય છે એનો ! પરંતુ તારા માટે મને એ બધું જ કબૂલ હતું અને સંજોગો તો જો ! જેનો સ્વાદ મને બિલકુલ પસંદ નથી એ જ ખારી કૉફી મારે જિંદગીભર પીવી પડી ! પરંતુ ડિયર ! મને એનો લેશમાત્ર પણ રંજ નથી, કારણ કે એ ખારી કૉફીએ જ મને તારો આખી જિંદગીનો મીઠો સાથ અપાવ્યો હતો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જો એ બીજી વખત જીવન આપતો હોય અને એ જીવનમાં તું જ મારી પત્ની બનવાની હો, તો એ વખતે પણ હું જિંદગીભર ખારી કૉફી પીવા તૈયાર છું, કારણ કે મને તું ખૂબ જ ગમે છે. I really love you dear !’

                આંખમાં વરસતાં આંસુઓએ પતિના પત્રને ક્યારે ભીનો કરી દીધો એની પણ એ સ્ત્રીને ખબર ન રહી. એ પછી તો એણે પણ ખારી-સૉલ્ટી કૉફી પીવાની શરૂઆત કરી દીધી. કોઈ એને ક્યારેક પૂછતું કે, ‘સૉલ્ટી કૉફી કેવી લાગે ?’ તો એ હંમેશાં હસીને જવાબ આપતી કે, ‘સ્વીટ ! ખૂબ જ મીઠી !અને એ પછી એની આંખોમાં આછાં ઝળઝળિયાં આવી જતાં !

હૂંફાળા અવસરમાંથીસાભાર  


સાધુ
                 વર્ષો પહેલાં ગંગાજીના કાંઠે એક યુવાન સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. આમ તો એ જિંદગીની વિટંબણાઓથી કંટાળ્યો હતો અને સ્વભાવે આળસુ હતો એટલે જ સાધુ બન્યો હતો. એક દિવસ એ ગંગાજીના કાંઠે આવેલી પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠો હતો ત્યારે એણે કાંઈક મોટી અને ચળકતી વસ્તુને ગંગાજીમાં તણાઈને જતા જોઈ. એ જોતાવેંત એણે ગંગાજીના પ્રવાહમાં ઝંપલાવી દીધું. પ્રવાહના જોર સામે ઝીંક ઝીલતો એ પેલી વસ્તુ સુધી પહોંચ્યો. જોયું તો એ ચળકતી વસ્તુ ચાંદીનું એક મોટું વાસણ હતું. એણે તો એ મોટું વાસણ છાતીસરસું ચાંપીને પાછા તરવાનું શરૂ કર્યું.
                 એ જ વખતે એને ખ્યાલ આવ્યો કે ગંગાજીના પ્રવાહમાં એની ધારણા કરતા વધારે તાણ હતું. એને તકલીફ પડવા માંડી. એ સાધુ યુવાન જરૂર હતો, પરંતુ એક હાથે વાસણ પકડ્યું હતું એટલે હવે તરવા માટે પણ એક જ હાથ છુટ્ટો રહ્યો હતો. સાધુએ હતું તેટલું જોર લગાવીને તરવાનું શરૂ કર્યું, પરંતુ જેમ જેમ એ કાંઠે આવવાનો પ્રયાસ કરતો હતો તેમ તેમ ગંગાજીનો પ્રવાહ એને વધારે ને વધારે અંદર ખેંચતો જતો હતો. અંતે જ્યારે એને એવું લાગ્યું કે બે હાથના પ્રયત્ન વિના હવે પોતાની જિંદગી બચાવવી અઘરી બની જશે ત્યારે એણે પેલા વાસણને છોડી દીધું. એ પછી પોતે તરતો તરતો કાંઠે પહોંચી ગયો. કાંઠે પહોંચ્યા પછી થાક ખાઈ લીધા પછી એણે ગંગાજીના પ્રવાહ તરફ નજર નાખી. પેલું મોટું વાસણ પાણીના પ્રવાહ જોડે દૂર જઈ રહ્યું હતું. એનાથી બોલી પડાયું કે, ‘મારું આટલું મોટું ચાંદીનું વાસણ તણાઈ ગયું.
                  હવે આ બધું ચાલતું હતું ત્યારે એક વયોવૃદ્ધ સંત દૂર બેઠા બેઠા આ આખો ખેલ જોઈ રહ્યા હતા. એ પેલા યુવાન સાધુ પાસે આવ્યા. એના ખભે હાથ મૂકીને બોલ્યા, ‘ભાઈ ! એ ચાંદીનું વાસણ તો તણાતું તણાતું એના રસ્તે જઈ રહ્યું હતું. એને તારી સાથે કાંઈ લેવાદેવા હતી જ નહીં. એ તારું તો હતું પણ નહીં. એક તો તેં ગંગાજીના પ્રવાહની વચ્ચે જઈને એને પકડ્યું. પછી તારી જિંદગી બચાવવા માટે એને છોડી દીધું ! બસ, એટલી વારમાં એ તારું થઈ ગયું ? મારા ભાઈ, તારી પાસે જે વસ્તુને ઈશ્વરે મોકલી હોય તેનો આનંદ લે એ બરાબર, પરંતુ જે તારી પાસેથી જતું રહે એને પણ એટલા જ આનંદથી જવા દે ! આપણે એટલું જ યાદ રાખવાનું કે દુનિયાની દરેક વસ્તુ આપણને ભાડે મળેલી છે. એ ક્યારેય આપણી હતી જ નહીં, એટલે આવો શોક શા માટે ?’
                  આટલું કહીને એ વયોવૃદ્ધ સાધુ પોતાના રસ્તે ચાલતા થયા. પેલો યુવાન સાધુ કદાચ આજે પહેલી વખત સાધુત્વનો પહેલો અને ખૂબ અગત્યનો પાઠ ભણ્યો હતો. એ પણ હળવોફૂલ થઈને ગંગામૈયાના પ્રવાહને નિહાળી રહ્યો.

હૂંફાળા અવસરમાંથીસાભાર   

  
ભગવાને જ્યારે પિતાની રચના કરી….


ભગવાને જ્યારે પિતાની રચના કરવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પ્રથમ એણે ઊંચું અને પડછંદ માળખું બનાવ્યું. બાજુમાં ઊભેલા દેવદૂતને નવાઈ લાગી. એનાથી બોલ્યા વિના ન રહેવાયું. ખૂબ જ નમ્રતાપૂર્વક એણે કહ્યું : ભગવાન ! ક્ષમા કરજો ! પણ તમે આ કેવી વિચિત્ર રચના કરી છે ? જો બાળકો સાવ નાનાં જ હોય અને જમીનથી આટલાં નજદીક રહેવાનાં હોય તો પિતાની આટલી બધી ઊંચાઈ રાખવાનું મહત્વ શું છે ? નહીં તો એ બાળકો સાથે બરાબર લખોટી રમી શકે કે પછી નહીં તો એ કૂકા કે કૂંડાળાં રમી શકે ! એ બાળકોને પથારીમાં બરાબર રીતે સુવડાવી પણ નહીં શકે અને સાવ નમશે ત્યારે જ નાના બાળકને બચી ભરી શકશે. જો આવું જ થવાનું હોય તો આટલી ઊંચાઈનું મહત્વ શું ?’
ભગવાન હસી પડ્યા અને બોલ્યા : હા ! એ બધી વાત બરાબર છે પણ જો હું એને બાળકો જેવડો જ બનાવત તો પોતે પણ મોટાં થઈને ઊંચા થવાનું છે એવો ખ્યાલ બાળકો ક્યાંથી મેળવત ? પોતાના પિતાની ઊંચાઈ એમના માટે પથદર્શક બની રહેશે.ઊંચાઈશબ્દ પેલા દેવદૂતને બરાબર સમજાયો નહીં.
એ પછી ભગવાને પિતાના હાથની રચના કરી. ખૂબ મોટા, નહીં જરાય સુંવાળા કે નહીં સહેજેય કૂણા ! આંગળીઓ પણ જાડી અને બરછટ ! દેવદૂતથી આ જોઈને બોલાઈ ગયું, ‘ભગવાન ! આ વખતે તો મારે કહેવું જ પડશે કે આ હાથ બનાવવામાં તમે માર ખાઈ ગયા છો. તમને એ ખ્યાલ હોય જ કે મોટા હાથ અતિ ચપળ નથી હોતા. એ કેમ કરીને બાળકના વસ્ત્રનાં બટન ખોલશે ? પિન ખોસતાં તો એને જરા પણ નહીં ફાવે. દીકરીઓના વાળની ચોટીમાં દોરી નાખતાં એને નાકે દમ આવી જશે. લાકડાનાં રમકડાંથી રમતાં જો બાળકને ફાંસ વાગશે તો આ બરછટ અને જાડા હાથ એ નહીં જ કાઢી શકે. એટલે મને તો લાગે છે કે હજુ સંપૂર્ણ રચના નથી થઈ ત્યાર પહેલાં આમાં કંઈ સુધારો કરી નાખો તો કેવું ?’


આ વખતે પણ ભગવાન હસીને બોલ્યા, ‘તું સાવ સાચું કહે છે. તારી વાત સાથે હું જરા પણ અસંમત નથી. પણ તને ખ્યાલ છે કે આ મજબૂત હાથ જ ખેતર ખેડી શકશે ! એ બરછટ હાથ લાકડાં પણ કાપી શકશે, અરે ! કુટુંબનું પેટ ભરવા માટે એ પહાડ પણ ખોદી શકશે. એ જ મોટા હાથ નદીનો પ્રવાહ બદલી શકશે, દરિયો ખૂંદી શકશે અને પોતાના નાના બાળકનું અને અન્યનું રક્ષણ કરવા શસ્ત્રો પણ સર્જી શકશે. નાનું બાળક સાંજે બહારથી રમીને આવશે પછી પોતાનું ખિસ્સું ખાલી કરીને પથ્થરો, શંખલા, ખીલીઓ, બાકસના ખાલી ખોખાં વગેરે એ હાથમાં મૂકશે અને એમાંની એક પણ વસ્તુ પાડ્યા વિના આ મોટા હાથનો વિશાળ ખોબો એ બધું જ ઝીલી શકશે. મોટા, રુક્ષ અને બરછટ હાથ હોવા છતાં પણ બાળકનો સુંદર ચહેરો એની હથેળીમાં આસાનીથી આવી શકશે !નવાઈ સાથે દેવદૂત સાંભળી રહ્યો. આવો વિચાર તો એણે કર્યો જ નહોતો. ભગવાન હવે પિતાના લાંબા અને મજબૂત પગની રચના કરી રહ્યા હતા. એણે પગની સાથે ખૂબ વિશાળ ખભાની રચના પણ પૂરી કરી. પછી દેવદૂત સામે જોયું. દેવદૂત જાણે ભગવાનના પોતાની સામે જોવાની જ રાહ જોઈ રહ્યો હોય તેમ બોલી ઊઠ્યો, ‘ભગવાન ! આટલા પહોળા અને લાંબા પગ હશે તો બાળક એના ખોળામાં ઊંઘી કેવી રીતે શકશે ? નાનકું બાળક પોતાના પિતાને વહાલ કરતાં કરતાં બે પગ વચ્ચેથી પડી નહીં જાય ? અને એના આટલા બધા પહોળા ખભા શું કામ બનાવ્યા છે ?’
ખડખડાટ હસતાં હસતાં ભગવાન બોલ્યા : અરે ભાઈ ! માતાનો ખોળો તો મેં બનાવ્યો જ છે. અને એ બાળક માટે પર્યાપ્ત છે. આ મજબૂત પગ તો બાળક જ્યારે સાઈકલ ચલાવતાં શીખશે ત્યારે એની પાછળ દોડવા માટે છે. હળની પાછળ મજબૂત રીતે ચાલવા માટે છે. પેટિયું રળવા માટે થાક્યા વિના રઝળપાટ કરવા માટે છે. બાળક માટે લીમડા પરની લીંબોળીઓ પાડવા તેમજ આંબલી પરથી કાતરા ઉતારવા ઝાડ પર ચડવા માટે છે. અને આ વિશાળ ખભા ઉજાણીએથી પાછા આવતાં કે સરકસમાંથી મોડી રાત્રે છૂટ્યા પછી પાછા ફરતાં બાળક માથું મૂકીને નિરાંતે ઊંઘી જઈ શકે તે માટે બનાવ્યા છે. ઘરે પહોંચતાં સુધી એ પહોળા ખભા બાળકનો આધાર બની રહેશે.ભગવાને પિતાના લાંબા પગની નીચે મોટા મોટા ફાફડા જેવા પંજા બનાવ્યા ત્યારે પ્રશ્ન પૂછવાને બદલે દેવદૂતે ખડખડાટ હસવા જ માંડ્યું. માંડ થોડું હસવું દબાવીને એણે કહ્યું, ‘સાચું કહું પ્રભુ ! હવે તો ખરેખર હદ થાય છે. આવા મોટા ફાફડા જેવા પગના પંજા બાળકોને બિવડાવશે. નાનકડા ઘરમાં એનાં રમકડાં કે ઘરઘર રમતાં ગોઠવેલાં એના રાચ-રચીલાને કચરી નાખશે. બધું ઠેબે ચડાવશે. નદીના કાંઠે રેતીમાં બનાવેલું બાળકનું ઘર એ ખ્યાલ વગર જ ઉડાડી દેશે ! એટલે હું કહું છું કે તમે ફરી એક વાર વિચાર કરી જુઓ. નહીં તો મને આવા ફાફડા જેવા પગની રચના પાછળનો ભેદ સમજાવો !
મુક્ત હાસ્ય સાથે ભગવાન બોલ્યા, ‘અરે નાદાન ફરિશ્તા ! કારણ અને વજૂદ વગર હું કંઈ પણ બનાવું ખરો ? તને જે પગ ફાફડા જેવા લાગે છે, એ પગ પર પગ મૂકીને નાનકડું બાળક પાગલો પા…. મામાને ઘેર રમવા જા !તેમજ ઢીચકા ઢમણ…’ જેવી રમતો રમી શકશે. એ પગ પર પગ મૂકી એ ચાલશે. એ પગના મોટા બૂટમાં રેતી, પથ્થર અને કંઈકેટલીયે વસ્તુઓ ભરવાની રમતો એ રમી શકશે. અને એ સિવાય પણ મક્કમ રીતે જમીન પર મુકાતાં એ પગલાં એનામાં આત્મવિશ્વાસ પ્રેરશે.દેવદૂત વિચારમાં પડી ગયો. ધીમે ધીમે એને બધું સમજાતું જતું હોય તેવું લાગતું હતું.
રાત થઈ ગઈ હતી. ભગવાન હવે પિતાનો ચહેરો બનાવી રહ્યો હતો. પિતાની રચનાનો એ અંતિમ તબક્કો હતો. જેવો ભગવાને પિતાનો દઢ અને કડક ભાવવાળો ચહેરો કંડારી લીધો કે તરત જ દેવદૂત બોલી ઊઠ્યો, ‘ભગવાન, તમે પિતાની સંપૂર્ણ રચના તો બરાબર કરી પરંતુ માતાના ચહેરાની જોડ તો આ ચહેરો ન જ આવે ! ક્યાં એક માનો ચહેરો અને ક્યાં પિતાનો ?!’ આ વખતે ભગવાન હસ્યા નહીં. ખૂબ જ ગંભીર બની ગયા. પિતાના તૈયાર શિલ્પની આંખોમાં એમણે એક એક આંસુ મૂક્યું. એ સાથે જ એ દઢ અને કડક દેખાતો ચહેરો ભાવવાહી બની ગયો. એ કડક લાગતી આંખોમાં કરુણા છલકાઈ આવી. પછી ભગવાને દેવદૂત સામે જોઈને કહ્યું, ‘હવે જો ! પિતા પણ માતાની જેટલો જ પ્રેમ પોતાનાં બાળકોને કરશે. મા જેવી જ કરુણા હું એના હૃદયમાં પણ મૂકું છું. એ પણ પોતાના બાળક માટે જીવ સુદ્ધાં આપી દેવા તૈયાર રહેશે. બાળકનો ગોઠણ છોલાશે ત્યારે એના હૃદયમાં પણ સબાકો આવશે. બાળક દુઃખથી પીડાતું હશે ત્યારે લાગણીનો ડૂમો એના શબ્દોને પણ રોકી લેશે. પોતાનું બાળક સુખી થતું હશે તો એ ગમે તેવાં દુઃખો દઢતા અને મક્કમતાથી સહન કરવા તૈયાર થઈ જશે. એના ખભે માથું મૂકી કોઈ પણ ઉંમરનું સંતાન શાતા અને સાન્તવન પામશે. એનું મન ભલે એ માતાની માફક ગમે ત્યારે ખોલે નહીં, પણ સ્નેહનું સરોવર એમાં હંમેશાં છલકતું રહેશે. અને આ આંસુ એ માટેની ખાતરીની મહોર છે !!
દેવદૂત પાસે હવે એક પણ સવાલ બાકી નહોતો રહ્યો. એ ચૂપ થઈ ભગવાનને વંદન કરતો ઊભો રહી ગયો.



No comments:

Post a Comment

free click here