Sunday, April 26, 2015

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 5)

   


[21] ઈશ્વરના આશીર્વાદનો સદા અનુભવ કરો : જીવનમાં કોઈ નિષ્ફળતા છે જ નહીં. દેખીતી બધી નિષ્ફળતાઓ વધુ મોટી સફળતા તરફ લઈ જતી સીડીઓ જ છે. જ્યારે અવરોધો અસહ્ય લાગે ત્યારે અંતરના ઊંડાણથી કરેલી પ્રાર્થના ચમત્કાર કરી શકે છે. ઈશ્વરનો મને આશીર્વાદ છે એવી લાગણી તમને કોઈ પણ નિષ્ફળતામાંથી બહાર આવવામાં મદદ કરશે.


[22] સદવર્તન કરતા રહો : તમે સદવર્તન કરો છો ત્યારે તમારી ખરી પ્રકૃતિ પ્રગટ થાય છે. પણ દયા અને સેવાની આ પ્રવૃત્તિ મિકેનિકલ ન હોવી જોઈએ. સહજભાવે આવાં સત્કૃત્યો કરો.


[23] હંમેશાં વિદ્યાર્થી રહો : તમે હંમેશ માટે વિદ્યાર્થી રહો. જ્ઞાન કોઈ પણ ખૂણામાંથી આવી શકે છે. જીવનમાં દરેક પ્રસંગ અને વ્યક્તિ આપણને કાંઈક અને કાંઈક શીખવે છે. આ દુનિયા આપણી ગુરુ છે અને તમે સતત શીખતા રહેવાની વૃત્તિ રાખશો તો તમે બીજાની કિંમત ઓછી આંકવાની બંધ કરશો.


[24] અશક્ય સાધવાનું સપનું જુઓ : તમારી પાસે સપનું હશે તો જ એને સાકાર કરી શકશો. અશક્ય લાગે તે સાધવાનું સપનું જુઓ. આપણે સહુ આ દુનિયામાં કશુંક અદ્દભુત અને અનોખું કરવા આવ્યા છીએ. આ તકને સરકી જવા ન દેતા. મોટાં સપનાં જોવાની અને પછી તેને સાકાર કરવાની હિંમત કેળવો.


[25] તમારા દેખાવની તુલના કરો : નવા વર્ષની ઉજવણી તમને શાણા થવાનો અવકાશ આપે છે. ભૂતકાળમાંથી શીખવા જેવું શીખો, ભૂલવા જેવું ભૂલો અને આગળ વધો. ગરીબ માનવી વર્ષમાં એક જ વાર નવું વર્ષ ઊજવે છે. અમીર માણસ દરરોજ ઊજવે છે. પણ સૌથી સમૃદ્ધ તો એ છે જે જીવનની ક્ષણેક્ષણને ઊજવે છે. તમે કેટલા સમૃદ્ધ છો તેના તરફ આ નવું વર્ષ ઉજવતા ઉજવતા એક નજર કરજો. આ તમારું હોમવર્ક છે અને તમારા આ વર્ષના દેખાવની ગયા વર્ષના તેમજ તેના આગલા વર્ષ સાથે તુલના કરશો. હંમેશાં સ્મિત કરતા રહેજો. હૃદય હંમેશાં જૂની વાતોને ઝંખે છે અને મન નવી બાબતોને. જિંદગી આ બંને બાબતોનું મિશ્રણ છે


શ્રીરવિશંકરજીના પચ્ચીસ આ પગલાંનો  અમલ કરવાથી આપણી જિંદગી જરૂર બહેતર બની શકે.



જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 4)

   


[16] સંપૂર્ણતાનો આગ્રહ ન રાખો : આ દુનિયામાં દરેક વખતે દરેક વસ્તુ પરિપૂર્ણ ન હોઈ શકે. ઉદાત્ત હેતુઓથી થયેલાં ઉત્તમ કામોમાં પણ ક્યાંક કંઈક અપૂર્ણતા રહી જવા પામે તેવું બને. એ સ્વાભાવિક છે. કમનસીબે આપણા મનને એ સંપૂર્ણતા પકડીને બેસી જવાની ટેવ હોય છે. અને આ પ્રક્રિયામાં આપણે આપણા મનને અને મિજાજને અપૂર્ણ બનાવીએ છીએ. આ વાહિયાત ચક્રમાંથી બહાર નીકળીએ.


[17] આપણે મશીન ન બનીએ : આપણે ઘણી વાર મશીનની જેમ વર્તીએ છીએ. કોઈ વખાણ કરે કે સ્મિત આપીએ અને અપમાન કરે તો ભવાં ચઢાવીએ. હંમેશાં આપણે એક જ સરખી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી. જુદી રીતે પ્રતિસાદ આપવાની આપણને છૂટ હોવી જોઈએ.


[18] રમૂજવૃત્તિ કેળવો : દરેક વ્યક્તિને બાળસહજ તોફાનીપણું ઈશ્વરે આપ્યું હોય છે. એ રમતિયાળપણાને જીવંત રાખો. રમૂજ આકરી સ્થિતિને હળવી બનાવી દે છે. રમૂજવાળો માણસ ગમે તેવા સંઘર્ષમાંથી પાર ઊતરે છે. રમૂજ તમને અપમાનથી બચાવે છે. અપમાન અને અવહેલનાથી ભરેલી આ દુનિયામાં રમૂજ એક તાજી હવાના સ્પર્શ જેવી છે. પણ હા, રમૂજમાં હંમેશાં કાળજી ભળવી જોઈએ. તેનો અતિરેક થાય તો ખરાબ. શાણપણ અને સંવેદનશીલતા વિનાની રમૂજ સમસ્યાઓ સર્જે છે.


[19] ભૂલ થવાનો ડર ન રાખો : ભૂલ થઈ ગઈ છે તેવું ભાન તમને તમે નિર્દોષ હો ત્યારે જ થાય છે. જે કોઈ ભૂલ થઈ એ માટે પોતાની જાતને પાપી ન ગણો, કેમ કે વર્તમાન ક્ષણમાં તમે નવા અને શુદ્ધ છો. ભૂલો કરવાનો ડર ન રાખો. પણ હા, એક ને એક ભૂલ ફરી ન કરો.


[20] તમારા પૂર્વગ્રહોને અતિક્રમી જાઓ : તમારા પૂર્વગ્રહો તમને આસપાસના લોકો સાથે મુક્તપણે એકરસ થવા દેતા નથી. કોઈની સામે પૂર્વગ્રહ ન રાખો. સાથે જ, તમારી પોતાની ઓળખ અંગે પણ ક્ષોભમાં ન રહો. પૂર્વગ્રહને અતિક્રમીને જ તમે સહજ બની શકશો અને તમારી જિંદગીની ગુણવત્તા બહેતર બનશે.

જિંદગીને બહેતર બનાવવાનાં 25 પગથિયાં – (ભાગ - 3)




[11] ટૂંકા અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો : તમે જોશો કે તમારું મન ભૂતકાળ અને ભવિષ્ય વચ્ચે ભીંસાયા કરે છે. કાં તે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના અંગે ક્રોધિત યા ઉદાસ હશે, કાં ભવિષ્યની ચિંતાથી ઘેરાયેલું. આનો અર્થ એ નથી કે ભવિષ્ય માટે આયોજન ન કરવું. ટૂંકાગાળાના અને લાંબાગાળાનાં લક્ષ્યોનું આયોજન કરો. એ માટે તમારા મનને વર્તમાનમાં રાખો અને લક્ષ સુધી પહોંચવાનાં સાધનો અને પદ્ધતિ બંનેનું આયોજન કરો. મહત્તમ સંતોષ આપે તેવી ચીજોનું લક્ષ લાંબાગાળાનું રાખો. નાની નાની વસ્તુઓ આપોઆપ સુલભ થઈ જશે.



[12] પ્રાર્થના એક મહત્વનું શસ્ત્ર છે : જિંદગીને બહેતર બનાવવા માટેનું એક મહત્વનું સાધન છે પ્રાર્થના. પ્રાર્થના બે સ્થિતિમાં થાય છે, તમે જ્યારે એકદમ લાચાર બની જાઓ ત્યારે અને તમે ભગવાન પ્રત્યે ખૂબ જ આભારવશ થઈ જાઓ ત્યારે. તમારાથી શક્ય હોય એટલું કરો અને તમારાથી જે ન થાય તેવું હોય તેને માટે પ્રાર્થના કરો. પણ હંમેશાં યાદ રાખો કે અંતિમ અવાજ ઉપરી સત્તાનો જ રહેશે અને એ હંમેશાં સારા માટે જ હશે.


[13] જરૂર પડે પરિવર્તન કરો : જિંદગીમાં વિવેકબુદ્ધિ પર પડદો પડે છે ત્યારે દુઃખ આવે છે. અને વિવેકબુદ્ધિ શું છે ? આ જીવનમાં સઘળું પરિવર્તનશીલ છે એ જાણવું એ જ વિવેક છે. જીવન સુધારવા માટે જ્યાં અને જ્યારે પરિવર્તનનો અમલ કરવાની જરૂર લાગે ત્યારે એ કરવાની હિંમત દાખવો.


[14] તમારી મર્યાદાઓને ઓળખો : તમે જ્યારે જ્યારે નારાજ હો છો કે લાચાર હો છો ત્યારે તમને તમારી મર્યાદાઓનો પરિચય થાય છે. ત્યારે તમે ઈશ્વરનો આભાર માનો એ પરિચય કરાવવા બદલ અને સમગ્ર સ્થિતિને પ્રાર્થનામાં બદલી નાખો. ઈશ્વરને કહો કે હું બધું તને સમર્પિત કરી દઉં છું. તું શાંતિ લાવ. બસ, તમે હળવા થઈ જશો.


[15] તમારા મિત્રોને ગુમાવો નહીં : જીવનમાં ભૂલો બધાથી થતી હોય છે. ભૂલો બતાવવાની ભૂલ ન કરતા. એનાથી તેને તમે વધુ અપરાધભાવનો અનુભવ કરાવશો. ઉદારદિલ માનવ એમ કરવાને બદલે એ ભૂલોને અનુકંપા અને કાળજીથી સુધારે છે.

free click here