Sunday, April 26, 2015

અંદર શું છે?

ગુરૂજીએ તેમના શિષ્યને પૂછ્યું ,"જો હું આ સંતરાને શક્ય એટલા જોરથી દબાવું તો શું બહાર આવે?"

શિષ્યે ગુરૂજી આવો સરળ પ્રશ્ન શા માટે કરે છે એમ વિચારતા જવાબ આપ્યો,"રસ વળી બીજું શું?"

ગુરૂજીએ પૂછ્યું ,"સફરજન નો રસ?"

શિષ્યે હસતા હસતા જવાબ આપ્યો,"ના!"

ગુરૂએ પૂછ્યું,"દ્રાક્ષનો રસ?"

શિષ્યે કહ્યું,"ના..."

ગુરૂએ પૂછ્યું,"તો શેનો રસ બહાર આવશે?"

શિષ્યે જવાબ આપ્યો,"સંતરા નો જ તો વળી."

ગુરૂએ આગળ ચલાવ્યું,"શા માટે? એક સંતરાને દબાવીએ તો કેમ સંતરાનો જ રસ બહાર આવે છે?"

હવે શિષ્યની ધીરજ ખૂટતી જતી હતી. તેણે સહેજ અણગમા સાથે કહ્યું," એ સંતરુ છે એટલે એની અંદર સંતરાનો જ રસ હોય ને..."
ગુરુજીએ માથું હકારમાં ધૂણાવ્યું. તેમણે કહ્યું,"ધારો કે આ સંતરુ એક સંતરુ નથી પણ એની જગાએ તું છે. અને જો કોઈ તને દબાવે,તારા પર દબાણ લાવે,તને એવું કંઈક કહે જે તને પસંદ ન હોય, જે તને દુભવે. ત્યારે તારામાંથી ક્રોધ, ધિક્કાર, કડવાશ, ડર વગેરે બહાર આવે છે. શા માટે?
આનો જવાબ એ છે કે આ બધું તારી અંદર છે. એટલે તને દબાવો ત્યારે તારી અંદર રહેલું આ બધું બહાર આવે છે.”


Gluecose :-

જીવનનો આ એક મહત્વનો અને અતિ શિખવાલાયક પાઠ છે. જ્યારે જીવનમાં તમારા પર દબાણ આવે ત્યારે શું બહાર આવે છે? જ્યારે કોઈક તમને દુભવે કે ઇજા પહોંચાડે ત્યારે? જો ક્રોધ, વેદના અને ભય તમારી બહાર આવે તો સમજવું તમારી અંદર આ બધી લાગણીઓ જ ઠાંસી ઠાંસીને ભરી છે જે બહાર આવે છે. એ મહત્વનું નથી કે દબાણ કોણ લાવે છે : તમારી માતા કે ભાઈ કે બાળકો કે તમારો બોસ કે પછી સરકાર. જ્યારે કોઈ તમને ન કહેવાના વેણ કહી જાય છે ત્યારે તમારી અંદર રહેલું તત્વ જ બહાર આવે છે. અને તમારી અંદર જે રહેલું છે તે તમારી પસંદગીનું છે. તમે જે ઇચ્છો તે તમારી અંદર ભરવા સ્વતંત્ર છો.
નકારાત્મક એવી કોઈ લાગણી બહાર આવે તો એનું કારણ એ છે કે તમે એને તમારી અંદર ભરી રાખી છે. જો તમે તમારી અંદર રહેલી બધી જ નકારાત્મક લાગણીઓ ફગાવી દઈ માત્ર પ્રેમને તમારી અંદર ભરી દો તો તમે અનુભવશો કે તમારૂં જીવન પ્રેમથી ભર્યું ભર્યું અને વધુ જીવવા લાયક અને આનંદદાયક બની રહે છે.

No comments:

Post a Comment

free click here