આલ્બર્ટ શ્વિત્ઝરે એક ખૂબ સરસ વાત કહી હતી : "ક્યારેક આપણો આંતરીક પ્રકાશ વિલાઈ જાય છે પણ જીવનમાં એ સમયે કોઈક ખાસ વ્યક્તિ આવી ફરી એ આંતરીક પ્રકાશની જ્યોતને પ્રજ્વલિત કરે છે.આમ કરનાર વ્યક્તિનો આપણાં પર બદલો ન વાળી શકાય એવો ઉપકાર ચડી જાય છે."
એક પ્રેરણાત્મક પ્રવચન આપનાર વક્તાએ તેના શ્રોતાઓને આંખો બંધ કરી એવી એક વ્યક્તિ વિષે વિચારવા કહ્યું જેણે તેમના જીવનના કોઈક તબક્કે તેમના અંતરાત્માની જ્યોતને વધુ પ્રકાશમય બનાવી હોય. પછી એ વક્તાએ તેમને જે વ્યક્તિ વિશે તેમણે વિચાર્યું હોય તેનું નામ કાગળ પર લખવા કહ્યું અને ગમે તે રીતે ૭૨ કલાકની અંદર તેમણે તે વ્યક્તિનો આભાર પ્રકટ કરતો સંદેશ તેના સુધી પહોંચાડી કદરદાનીનું સત્કર્મ કરવું એવું સૂચન કર્યું. ફોન દ્વારા,પત્ર દ્વારા કે પછી જો એ વ્યક્તિ હયાત ન હોય તો એને યાદ કરીને પ્રાર્થના દ્વારા.
આ ભાવવાહી સેશન બાદ એ વક્તાને વરુણ નામનાં એક સજ્જનનો ફોન આવ્યો અને તેણે તેમનો પોતાનામાં એક નવી સદભાવના જન્માવવા બદલ આભાર માન્યો. તેણે પોતાના શાળા જીવનના આઠમા ધોરણના સાહિત્યનો વિષય ભણાવતા શિક્ષિકાનું સ્મરણ કર્યું હતું જેણે અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું હતું અને તે ખાસ્સા વિદ્યાર્થીઓના ચહીતા હતા. તેણે પોતાના એ શિક્ષિકાને ખોળી કાઢવાનું નક્કી કર્યું હતું અને જ્યારે તેણે એમને શોધી કાઢ્યા, તેણે તેમને એક પત્ર લખ્યો જેના જવાબમાં તેને આ પ્રમાણે લખાયેલો એક પત્ર મળ્યો:
“વ્હાલા વરુણ,
તું નથી જાણતો તે લખેલા પત્રનું મારે મન કેટલું મૂલ્ય છે. હું ૮૩ વર્ષની થઈ ગઈ છું અને મારા ઘરમાં એકલી રહું છું. મારા બધાં પરિવારજનો ચાલ્યા ગયાં છે, મારૂં કોઈ મિત્ર પણ હાલમાં મારી સાથે નથી. પચાસ વર્ષ સુધી તારા જેવા અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યાં પણ પહેલી વાર મને કોઈ વિદ્યાર્થીએ આભાર પ્રગટ કરતો પત્ર લખ્યો છે. હું આ પત્ર મારા મરણપર્યંત ફરી અને ફરી વાંચીશ."
આટલું જણાવી વરુણ ફોન પર ડૂસકા ભરવા માંડ્યો. તેણે કહ્યું,"અમારા દરેક સ્કૂલ-રીયુનિયન વખતે અમે તેમના વિશે અચૂક વાત કરતાં. તે બધાંની મનપસંદ શિક્ષિકા હતી અને અમે સૌ તેમને ખૂબ ચાહતાં હતાં.પણ ક્યારેય કોઈએ તેમને એ કહ્યું નહિ...જ્યાં સુધી આ પત્ર તેમને નહોતો મળ્યો.
Glucose :-
આપણે સૌએ રોજબરોજની જિંદગીમાં આપણી આસપાસના લોકોની કદર કરવી જોઇએ,તેમની પ્રશંસા કરવી જોઇએ. આ વાર્તામાં જોયું તેમ ક્યારેક આપણી સામાન્ય પ્રશંસા કોઈક માટે આખું જીવન બદલી નાખનારી સાબિત થઈ શકે છે.
No comments:
Post a Comment