Tuesday, November 20, 2012

પ્રાર્થનાના શબ્દો

                     ભરવાડનો એક નાનકડો છોકરો એક ચર્ચની બાજુની ખુલ્લી જગ્યામાં પોતાનાં ઘેટાં ચરાવી રહ્યો હતો. રવિવારની સવાર હતી. સામૂહિક પ્રાર્થના માટે લોકો ચર્ચમાં આવી રહ્યા હતા. આ તરફ પ્રથમ વખત જ આવી ચડેલા એ બાળકે ચર્ચ તેમજ સામૂહિક પ્રાર્થના એ બેમાંથી એકેય અંગે ક્યારેય કંઈ પણ સાંભળેલું નહીં. હા! ભગવાન વિશે પોતાનાં કુટુંબમાંથી થોડુંઘણું સાંભળેલું ખરું. પણ આટલા બધા માણસોને સવાર સવારમાં એક જ ઈમારતમાં જતા જોઇને એને ખૂબ જ નવી લાગી. કુતૂહલવશ એને ત્યાંથી પસાર થતાં એક માણસને પૂછ્યું કે બધા ક્યાં જાય છે? આ ઈમારત શેની છે અને બધા શું કરવા એક જ ઈમારતમાં જઈ રહ્યા છે? પેલા માણસે જવાબ આપ્યો કે એ બધા માણસો ચર્ચની ઈમારતમાં ભગવાનને પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છે. પેલા બાળકને નવી લાગી. એણે ફરીથી પૂછ્યું કે પ્રાર્થના એટલે શું? જવાબમાં પેલા માણસે કહ્યું કે, ‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી, ભગવાન પ્રત્યેની લાગણી અને કંઈ ખોટું કર્યું હોઈ તો તેનો પસ્તાવો વગેરે બધું જ આવી જાય!’ એટલું કહીને એ માનસ આગળ વધી ગયો.
 
                ચર્ચનો ઘંટારવ શરુ થયો. સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઇ ગયો. આટલા બધા માણસો એકસાથે ભગવાનને પ્રાર્થના કરશે ? એ વિચાર આવતા જ એના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી, છતાં એ ઘૂંટણીયે પડી ગયો, હાથ જોડ્યા, પછી એના એકડિયાના ધોરણમાં શિખવાડાતી એબીસીડી બોલવાનું શરુ કરી દીધું. આંખ બંધ કરીને એ જોર જોરથી ‘એ, બી, સી, ડી, ઈ, એફ, જી,એચ… ..’ એમ બોલવા લાગ્યો. 
 
                બાજુમાંથી પસાર થઇ રહેલા એક માણસને આ બાળકને જોરજોરથી એ, બી, સી, ડી બોલતો સંભાળીને નવાઈ લાગી. એણે એને પૂછ્યું કે, ‘એ છોકરા! આ શું કરે છે?’
                ‘ભગવાનને પ્રાર્થના કરું છું!’ આંખો ખોલીને એણે બાળસહજ નિખાલસતા સાથે જવાબ આપ્યો. 
                ‘પણ અલ્યા તું તો એ, બી, સી, ડી બોલે છે. એવું કેમ?’
                ‘મને પ્રાર્થના કરતાં આવડતું નથી ને એટલે હું એબીસીડી બોલું છું. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને આવડતું નથી, પણ ભગવાન તો એ જાણે જ છે ને? હું એ એ, બી, સી, ડી બોલું છું એમાંથી એ યોગ્ય શબ્દો લઇ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે!’ જવાબ આપી ફરીથી એ છોકરો આંખ બંધ કરી એ, બી, સી, ડી બોલવા માંડ્યો! 
                  
                બાળકને પ્રશ્ન પૂછનાર એ માનસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ચર્ચમાં જવાનું માંડી વાળી એ પણ પેલા બાળકની બાજુમાં ઘૂંટણીયે પડી ગયો. આંખો બંધ કરી, બંને હાથ જોડીને એણે પણ એ, બી, સી, ડી બોલવાનું શરુ કરી દીધું!

Glucose :- સાચા િદલથી કરેલી પ્રાર્થના 
                  ભગવાન સુધી આપમેળે પહોંચે છે ઼

No comments:

Post a Comment

free click here